તિબેટમાં 6.8ના પ્રચંડ ભૂકંપમાં 126ના મોત, ભારતમાં પણ ધ્રુજારી
તિબેટમાં 6.8ના પ્રચંડ ભૂકંપમાં 126ના મોત, ભારતમાં પણ ધ્રુજારી
Blog Article
નેપાળની સરહદ નજીક તિબેટમાં મંગળવાર, 7 જાન્યુઆરીએ 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ઓછામાં ઓછા 126ના મોત થયાં હતાં અને 188થી વધુ ઘાયલ થયાં હતાં. આ ભૂકંપથી અનેક ઘરો ધરાશાયી થઈ હતા અને ભારે તબાહી સર્જાઈ હતી. ભારત, નેપાળ અને ભુતાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભારતના બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. જોકે ભારત કે નેપાળમાં નુકસાન કે જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી.
ચીનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ તિબેટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 188 ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ચીન સરકારની માલિકીની ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 9.05 કલાકે ઝિઝાંગ (તિબેટ) સ્વાયત્ત ક્ષેત્રના ઝિગાઝે શહેરમાં ડિંગરી કાઉન્ટીમાં 6.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યાં હતાં.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તમામ બચાવ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો હતો.
યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અને ભારતના રાષ્ટ્રીય ધરતીકંપ કેન્દ્રે ભૂકંપની તીવ્રતા 7.1 દર્શાવી હતી અને જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ચીનના ટિંગ્રી કાઉન્ટી ખાતે આવેલું હતું, જે ઉત્તર-પૂર્વ નેપાળની ખુમ્બુ હિમાલયન રેન્જના લોબુત્સેથી 90 કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત છે. જોકે ચીને ભૂકંપની તીવ્રતા 6.8 ગણાવી હતી.
દરમિયાન, નેપાળના કાઠમંડુમાં, તીવ્ર ભૂકંપના કારણે લોકોને તેમના ઘરની બહાર દોડી જવાની ફરજ પડી હતી. કાવરેપાલંચોક, સિંધુપાલનચોક ધાડિંગ અને સોલુખુમ્બુ જિલ્લામાં પણ આચંકા અનુભવાયા હતાં.
USGSના અહેવાલ મુજબ સવારે 7 વાગ્યાની આસપાસના એક કલાકના સમયગાળામાં 4 થી 5 ની તીવ્રતાવાળા ઓછામાં ઓછા અડધો ડઝન આંચકા પણ નોંધાયા હતાં.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, સવારે 6:35 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. NCS ડેટા દર્શાવે છે કે પ્રથમ ભૂકંપના થોડા સમય પછી આ ક્ષેત્રમાં વધુ બે ભૂકંપ આવ્યાં હતાં. 4.7ની તીવ્રતાનો બીજો ભૂકંપ સવારે 7:02 કલાકે 10 કિમીની ઊંડાઈએ અને ત્રીજો ભૂકંપ 4.9ની તીવ્રતાનો સવારે 7:07 કલાકે 30 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.
ભારતમાં ખાસ કરીને બિહારમાં આંચકા અનુભવાયા હતાં જ્યાં લોકો તેમના ઘર અને એપાર્ટમેન્ટની દોડી આવતા જોવા જોવાં મળ્યાં હતાં.
નેપાળ ભૌગોલિક રીતે સક્રિય પ્રદેશમાં આવેલું છે, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેકટોનિક પ્લેટો અથડાય છે. આ વિસ્તારમાં ધરતીકંપો વારંવાર થાય છે. 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે લગભગ 9,000 લોકો મૃત્યુ પામ્યાં અને 22,000થી વધુ ઘાયલ થયા હતાં. જેમાં અડધા મિલિયનથી વધુ ઘરો નાશ પામ્યા હતાં.